Editor's Picks
(1-4 of 8)Improvment The Educaeion, Professor Yashpal
Professor Yashpal
શિક્ષણ પદ્ધતિબાળકોનાં પુસ્તકો કંટાળાજનક અને ગોખવાવાળાં ન હોય, પરંતુ ચિત્રો, કાટૂર્ન ને વાર્તાઓના માઘ્યમથી અત્યંત રોચક રીતે લખાયેલાં હોવાં જોઈએ. જે બાળકો આવાં પુસ્તકો વાંચીને મોટાં થશે તેમની દુનિયા અંગેની સમજ અને દ્રષ્ટિ અત્યંત મૌલિક હશે.
કોઈ સુધારાને લાગુ કર્યા બાદ તેનાં અર્થઘટનો અને અસરો નીચે સુધી પહોંચતાં વર્ષો લાગી જાય છે. છેલ્લાં કેટલાંક વર્ષોથી જાત-જાતના સુધારા થઈ રહ્યા છે અને તેનાં પરિણામો પણ જોવા મળી રહ્યાં છે, પરંતુ એક ઉન્નત રાષ્ટ્રની શિક્ષણવ્યવસ્થા પાસે જે આશા હોવી જોઈએ, તે જોતાં આ સુધારા અપૂરતા છે. ૨૦૦૫માં નેશનલ કેરિકુલમ ફ્રેમવર્ક લાગુ કરવામાં આવ્યું હતું. તેની પાછળનો મુખ્ય હેતુ એ હતો કે બાળકોને ગોખણપટ્ટી શીખવવી નથી, પરંતુ રચનાત્મક પદ્ધતિથી વિષયો સમજાય એ જરૂરી છે.
બાળકોનાં પુસ્તકો કંટાળાજનક અને ગોખવાવાળાં ન હોય, પરંતુ ચિત્રો, કાટૂર્ન ને વાર્તાઓના માઘ્યમથી અત્યંત રોચક રીતે લખાયેલાં હોવાં જોઈએ. જે બાળકો નાનપણથી જ આવાં પુસ્તકો વાંચીને મોટાં થશે તેમની દુનિયા અંગેની સમજ અને દ્રષ્ટિ અત્યંત મૌલિક હશે. નાનાં બાળકોના પુસ્તકો નવી રીતે લખવામાં આવે અને તેમને સમજાવવાની રચનાત્મક રીતો શોધવામાં આવે એ જરૂરી છે.
બાળકોની તાલીમ કરતાં તેમને ભણાવનારા શિક્ષકોને તાલીમ આપવાની વધુ જરૂર છે,જેને માટે આજ સુધી ગંભીરતાથી વિચાર કરાયો નથી. નાનાં બાળકોને ભણાવનારા શિક્ષકોને કેવી તાલીમ આપવી જોઈએ, ટીચર્સ એજયુકેશન કાઉન્સિલમાં કેવા સુધારા હોવા જોઈએ વગેરે એવાં પાયાનાં પરિવર્તન છે, જેના વગર એક આખી પેઢીના બૌદ્ધિક સંસ્કારોને બદલી શકાય તેમ નથી. આ વર્ષે જે સૌથી મહત્ત્વની બાબત બની છે, તે છે શિક્ષણના અધિકારનો કાયદો.
તેની અસર ૨૦૧૦ અને આવનારાં વર્ષોમાં જોવા મળશે, પરંતુ વાસ્તવિકતા એ છે કે દેશના દરેક બાળકને શાળાએ જવાનો હક્ક છે, એ બાબત સ્વીકારવામાં સરકારને આટલાં વર્ષ લાગ્યાં ત્યાં શિક્ષણ અને તેમાં જરૂરી સુધારા કરવામાં હજુ ઘણો સમય લાગશે. આજે શિક્ષણ એક વેપાર બની ગયું છે. નાનાં બાળકો ટકાવારીના બોજા હેઠળ દબાયેલાં છે. માતાપિતાનો પણ તેમાં મહત્ત્વનો ભાગ છે. ગલી-મહોલ્લામાં ટયૂશન કલાસ ખૂલી ગયા છે. શાળા-કોલેજોમાં ફકત ગ્રેડ પદ્ધતિ હોવી જોઈએ.
અમેરિકા અને પશ્ચિમમાં જે શિક્ષણવ્યવસ્થા છે, તેને ભારતમાં લાગુ કરવાની જરૂર છે. જો કોઈ વિધાર્થી ભૌતિક વિજ્ઞાનની સાથે સાહિત્ય અને ગણિત સાથે મનોવિજ્ઞાન ભણવા માગતો હોય તો તેને તે સગવડ મળવી જોઈએ. આપણે ત્યાં યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નિયમો યુનિવર્સિટીઓ પર પ્રભાવી છે. યુનિવર્સિટી તો જ્ઞાનનું ઘર હોય છે, પછી તેના પર યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનના નિયમોનું બંધન ન હોવું જોઈએ.
અહીં દરેક વ્યકિત જ્ઞાનની શોધ માટે અને તેને આગળ વધારવા માટે સ્વતંત્ર હોવી જોઈએ. અભ્યાસ એ માત્ર ધન,કીર્તિ ને સમાજમાં એક સ્થાન હાંસલ કરવાનો માર્ગ નથી. વિજ્ઞાનના કેટલાય વિધાર્થીઓ આજે આઈટી અને મોટી કોર્પોરેટ કંપનીઓ તરફ ફંટાઈ રહ્યા છે, કેમ કે તેમને ઓછા સમયમાં વધુ નાણાં કમાવા છે. જો બધા જ કંપનીઓમાં જતા રહેશે તો સારા શિક્ષક કયાંથી આવશે ? આજે વિજ્ઞાનના વિષયો માટે સારા શિક્ષકોની અછત સર્જાયેલી છે. આપણે ત્યાં નવાં સંશોધન બંધ થઈ ગયાં છે. નવી ખોજ નથી થતી, નવી ટેક્નિક શોધાતી નથી.
શા માટે ? કેમ કે કોર્પોરેટ સેકટરમાં કામ કરનારી પેઢી કોઈ બીજાએ બનાવેલી ટેક્નિકનો ઉપયોગ તો કરી શકે છે, પરંતુ જાતે નવી ટેક્નિક શોધી શકતી નથી. આપણી શિક્ષણવ્યવસ્થા જિજ્ઞાસુ અને રચનાત્મક વિધાર્થી નહીં, પરંતુ જાણે કોર્પોરેટનાં સાધનો બનાવે છે. આ સ્થિતિ બદલવી પડશે. શિક્ષણ એવું હોય જે વિચારો પર અસર કરે, જિંદગી પર અસર કરે. એવું શિક્ષણ જે પરિવર્તનનું વાહક હોય. (મનીષા પાંડેય સાથેની વાતચીત પર આધારિત)
પ્રોફેસર યશપાલ - પ્રસિદ્ધ વિજ્ઞાની અને શિક્ષણશાસ્ત્રી